jump to navigation

સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું – બરકત વિરાણી ‘બેફામ’ September 19, 2007

Posted by Bhavin Gohil in બરકત વિરાણી.
trackback

સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.

નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.

તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ?
તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.

ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું.

રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.

શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.

‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.

Comments»

1. કુણાલ - September 19, 2007

રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.

શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.

બન્ને અશઆર ખુબ જ ધારદાર…

2. hemantpunekar - September 19, 2007

ભાવિન,

એકવાર જરા check કરીને જોજે કે જે પહેલો શેર છે એ બરાબર છે કે નથી. કારણ કે આખી ગઝલ “ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા” છંદમાં છે પણ પહેલા શેરના બન્ને મિસરા એમાં બરાબર બેસતા નથી. કદાચ પહેલો શેર આવો કંઈક હોઈ શકે.

સમજો નહીં કે જુલ્મ સહું છું ને રોઉં છું,
આ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું

3. વિવેક - September 19, 2007

સુંદર ગઝલ…